યુનિવર્સિટીમાં આવ્યા બાદ, દેશ અને ઘરથી દુર હોસ્ટૅલમાં રહી થોડાંક નવા વિચારો અને નવું વ્યક્તિત્વ મળ્યું. એક શુક્રવારે મારા એક ક્રિશ્ચિયન મિત્રએ બારણે ટકોરા માર્યા અને મને એક આમંત્રણ આપ્યું. અને દર શુક્રવારે ખાવાનું લઇને ડાઉનટાઉન જવાનો સિલસિલો ચાલુ થયો. હવે એ વાતને થયેલા ૬ મહિના બાદ એના લેખાજોખાનો ચિઠ્ઠો અહીં મુક્યો છે. મિત્રો સાથે આ વાત વહેંચતા આનંદ તો થાય છે પણ આવું કેમ થાય છે એ સવાલનો જવાબ શોધવો પણ એટલો જ જરૂરી છે. જિંદગીમાં જે થાય છે એ ભાગ્ય છે એ વાત સ્વીકારવી અને કંઇ ન કરવું એ આવી માનવસર્જિત મુશ્કેલીઓને સામે ચાલીને નોતરવા જેવું છે.
-સર્જિત

આજે મારો લખવાનો વિષય તમને ગમશે એવી આશા સાથે શરૂઆત કરું છું. વાચકો વિષયને નવા પરિમાણો આપશે એ આશા સહ..ઊત્તર અમેરિકા ખંડ વિશ્વયુદ્ધ પછી પાશ્ચાત્ય સંસ્કૃતિનું નેતૃત્વ કરી રહ્યો છે એમ કહી શકાય. યુરોપિયન દેશો પણ આ વ્યવસ્થા આગળ વામણાં પુરવાર થાય છે.
ઉત્તર અમેરિકા ખંડ અમેરિકા,મેક્સિકો અને કેનેડા દેશોને સમાવે છે. આમાં યુ.એસ. એ. અને કેનેડા પોતાની સુંદર જાહેર વ્યવસ્થા માટે જાણીતાં છે. જનજીવન અને કાયદો, કાયદાનું પાલન, તે માટેના જરૂરી પગલા અને તેનું પાલન થાય જ એવી સભાનતા અહીંની લોકશાહી સરકારમાં તો છે જ પણ લોકો પણ જાગૃત છે, જે એશિયાના મોટાભાગનાં દેશોમાં હાલ જોવા મળતું નથી.
પણ સાંસ્કૃતિક સ્વતંત્રતા, સજ્જ માળખુ, અત્યાધુનીક ટેક્નોલોજી અને સમગ્ર દુનિયામાં અખાતી(ગલ્ફ) દેશો પછી સૌથી ધનિક રાષ્ટ્રો હોવા છતાં અહીં એક સમસ્યા છે.આ સમસ્યા છે બેઘર લોકોની. અહીં ‘હોમેલેસ’ કે ‘બેઘર’ લોકો ખૂબ મોટા પ્રમાણમાં છે. આ સિક્કાની એવી બાજુ છે જેનાથી મોટાભાગનાં લોકો અજાણ છે. આ સમસ્યા આવા દેશોમાં માથુ ઉંચકે એ લોજિકલ વાત નથી લાગતી, પણ એમાં થોડાં ઊંડા જઇ આ લોકો સાથે બે ઘડી વાત કરીએ તો કારણનો તાગ તો મળી જ શકે છે.
કારણો ઘણા છે. એમને સૌથી સામાન્ય થી ક્યારેક જ શક્ય એ રીતે ઉતરતા ક્રમમાં દર્શાવવનો પ્રયત્ન કરું છું.
૧) ઘરમાંથી બહાર કાઢી મુકાયેલા કિશોરો
૨) ઘરમાંથી ભાગી ગયેલા કિશોરો
૩) ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ વ્યક્તિઓ (કિશોર કે વયસ્ક).
૪) ડ્રગ્સ સાથે સંકળાયેલ લોકો, વેચનારા કે એના વ્યસની.
૫) સ્વતંત્ર રહેણીકહેણી ના લીધે ઘરનાં ઝગડાઓથી કંટાળેલા લોકો.
૬) ઘણી વાર દુનિયાને જાણવા-સમજવા પોતાની મરજીથી આવું કરતા ધૂની લોકો.
૭) કે પછી આમ કરવાથી મળતાં મહેનત વગરના પૈસા અને સતત બદલાતા સરનામાંથી પોતે ખરી રીતે સ્વતંત્ર છે એમ અનુભવતા અને બીજાને પણ આવું કરવા આકર્ષતા લોકો જે ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય છે.
જે રીતે આપણે ‘વેસ્ટર્ન’ થઇ રહ્યા છીએ એ રીતે સારું અને ખોટું બંને ગ્રહણ કરતાં થોડાંક વર્ષોમાં ભારત અને બીજા દેશો આ રસ્તે ચાલી નીકળશે એમાં શંકા નથી. એટલે આ સમસ્યા પર અત્યારથી જ વિચાર કરવો જરૂરી છે. વસ્તીવધારો, ગરીબી, ભ્રષ્ટાચાર એ તો દરેક લેખનાં કેન્દ્રવર્તી મુદ્દાઓ હોય જ છે પણ આ એની વ્યાપક અસરોમાંન એક છે-સામાજિક પતન.
મારા રુમમાંથી તોફાન પહેલા ઉતારેલો વીડીઓ..
ગુરૂવાર, માર્ચ ૧, ૨૦૦૭.
૨.૦૦ બપોર.
વધુ નીચે..
આના તુરંત બાદ હું રૂમ પરથી રવાના થયો હતો અને મારી ફોન પરની વાતો થોડે અંશે સાંભળી શકાય છે.
-સર્જિત

પવન ના સુસવાટા સાથે વાદળો ઘેરાયા. તાપમાન તો શૂન્યથી પણ નીચે! કાળી કીડીઓને સમુહમાં જોઇએ, એવી લાગે લોકોની વસ્તી! શિયાળાની તો ઋતુ જ એવી ને! અને એમાં પણ ન્યુયોર્કની શેરીઓ. ઊંચા ઊંચા પર્વતો જેવી લાગતી મહાકાય ઇમારતો! કીડીઓ જેમ મહામહેનતે દરમાં ખોરાક લાવે એવી જ રીતે આખા દિવસના પરિશ્રમથી લોકો ઘરે પૈસા લાવે. ભાઇ, અમેરિકા ની તો માયા જ એવી! અમેરિકામાં પ્રિય રંગ કદાચ લીલો હશે; સવારથી લોકો લીલી ટ્રાફિક લાઈટ્ પાછળ દોડે. અને આખો દિવસ લીલી નોટ પાછળ, સવારથી માંડીને રાત સુધી. દોડાદોડમાં દિવસો ના દિવસો પસાર થઇ જાય. એકબીજાની સામે જોવાનો પણ સમય ન મળે એ વખતે કુદરત સામે જોવાનો સમય કોને મળે?
કડકડતી ઠંડી પણ કામ કરવાથી રોકી ના શકે. પણ કુદરતને અવગણાય થોડી? જેમ પિતા બાળકો ને શીખવે, એમ એક શિક્ષકની જેમ કુદરત ઘણું બધુ શીખવે. જાય. જીવન કોઇ નવા રંગનું દેખાય. એટલે તો કહેવાય છે ને કે ‘Life is Colourful’
તો પછી આવા પવનના ઝોકા અને ગાત્રો થીજવતી ઠંડી પછી કયો રંગ હોય? વાદળો તો જામ્યા છે હવે વર્ષની જ રાહ છે.પણ ઠંડી કંઇ એટલી કાચી છે કે વરસાદ ને પાણી સ્વરૂપે પડવા દે. પવન શાંત થાય અને પેલા થર્મોકોલના બોલની જેમ હિમવર્ષા થાય. એ પોચો-પોચો સ્નો..હિમવર્ષા સમયે જો ઉપર જોઇએ તો સંધ્યાકાળે કાળા કાળા આભમા ધોળા ધોળા ઝરમરતા સફેદ ટપકા! આકાશ તારા જોઇને તો જાણે સ્વર્ગની સીડીઓ પર જતા હોય એવુ લાગે એવુ લાગે. એવી તો અદભૂત લાગણી હોય કે જે ઉંચાઇ પર સડસડાટ લઇ જાય. અને ગણતરીના સમયમાં જ સફેદ રૂ સમા ઢગલા થઇ જાય! એ વખતે વાહનોની હિલચાલ ઓછી થાય. અમુક કલાકો સુધી આકાશી ચાળણીમાંથી આ બરફ ચળાતો રહે. આવા સમયે જો ઘરની બહાર હોઇએ તો જમીન પણ એક સફેદ ચાદર પાથરેલી દેખાય. સમગ્ર સૃષ્ટિ સફેદ! અને બધી દિવાલ જાણે મટી જાય ને બગીચામાં મકાનો અને મકાનોની આસપાસ ખુલ્લુ સફેદ મેદાન!
પણ વાહન વ્યવહાર ઠપ્પ થાય એ તો ચાલે જ નહી! મોટા વાહનો સફાઇ માટે નીકળી પડે, અને થોડાક જ સમયમાં પછી દીવાલો ઉભી થઇ જાય. દીવાલો, બે મકાનો વચ્ચે, જીવ અને કુદરત વચ્ચે. પ્રકૃતિનો આનંદ ઉઠાવતો માનવી થોભી જાય અને પહેલાની જેમ લીલા રંગમાં જ ખોવાઇ જાય છે.

“HEAD MAKES ALL THE DIFFERENCE, BOTH; LIMITS AND INCREASES EFFECTIVENESS AT TIMES. A HEART IS NEEDED TO KEEP IT IN MOTION”
-Sarjeet.
“માથું બધું બદલી નાખે છે. સમયે રોકે છે અને સમયે અસરકારક બનાવે છે પણ ભાવોનું હાર્દ એ એને ગતિ આપે છે. “
-સર્જિત.

સાહિત્ય સાચુ મિત્ર છે. કળા હંમેશા લાગણીથી આવે છે. મુશ્કેલીમાં સાથે આપે છે. જે શબ્દોથી ન કેહવાતું એ આંખોથી ઝરે છે. એ ભાષા બહુ તાકાત હોય છે. રીઝવે છે, અને સમજનારને સત્ય તરફ લઈ જાય છે અને કર્મ કરવા પ્રેરે છે. આવા સાહિત્યનો સહારો દરેક મુશ્કેલીમાં લેવો જોઇએ, અને જીવનની નાનામાં નાની કોઇ પણ મુશ્કેલીને અવગણવી ન જોઇએ. સાહિત્યમાં ભાષા અગત્યની નથ પણ ભાવો અગત્યના છે. લખાણની લંબાઇ અગત્યની નથી, પણ એની પારદર્શિતા-સરળતા અગત્યની છે. ખરી ફિલસુફી એ જીવન કઇ રીતે જીવવુ એની છે. સાહિત્ય એ જીવન નથી પણ જીવન એ સાહિત્ય છે.
બસ માની લો કે આવતા ૪૦-૫૦ વર્ષોની જગાએ પેટ્રોલીયમ કાલે જ ખતમ થઇ જાય તો માનવો શું કરે? આપણી પાસે એનો વિકલ્પ કયો? માત્ર એમ્બ્યુલન્સ ના અને વિમાનોન અભાવે કેટલા માણસો સ્વધામે જશે? બહુ કાલ્પનિક વસ્તુ છે પણ આપણી આળસ આવતા ૪૦ વર્ષોમાં શું કરે એ રામ જ જાણે. સી.એન.જી ને એલ.પી.જી. ખરા પણ એ તો છેવટે પેટ્રોલીયમની જ આડપેદાશ છે. આ જ પોસ્ટમાં કોમેન્ટ્સ સાથે આ ચર્ચા ચાલુ રાખીશું.


એ હાર હતો, એનો રંગ, આહાહા! મેં મારી ચોપડીમાં વાંચેલુ, જ્યારે આર્મસ્ટ્રોંગે પૃથ્વીને ચંદ્ર પરથી જોઇ ત્યારે એને કેવી મોતી જેવી લાગેલી, બસ એવા રંગનો..મને મમ્મીની યાદ આવી ગઇ. એ હાર એને ભેટ તરીકે આપ્યો હોય તો. મમ્મી હોસ્પીટલમાં છે, ૩ દિવસ થયા. મારે સ્કુલે નથી જવાનું એટલે મજા પડે છે પણ મમ્મી જ્યારે મને જોઇને પરાણે કણસીને હસે છે ત્યારે ખબર નહી શું થઇ જાય છે, કંઇક કરી નાખવાની ઇચ્છા થાય છે. આ હાર આપ્યો હોય તો એનું દર્દ ઓછું નહી થાય? એના ગળામાં કેવો સરસ લાગશે! બસ મેં નક્કી કરી લીધું કે હાર જોઇએ જ છીએ. સોનીકાકા મને હંમેશા દુકાનમાં આવવા દે, એટલે મેં એ હાર ક્યારે લઇ લીધો એ એમને ખબર જ ના પડી. મેં દોટ મુકી હોસ્પિટલ બાજુ. એક, બે…,દસ…,ચૌદ. હા ચૌદ પગથિયા હતાં. હું સીધો મમ્મીના રૂમમાં જ ગયો.
૧ મિનિટ પછી
રૂમ ખાલી છે. પપ્પા કેમ રડે છે ખબર નથી પડતી. મમ્મી…..મમ્મી ક્યાં છે? જેને પુછું એ મને જોઇને રડે છે! શું થયું? શું થયું? એક્દમ અંદરથી અવાજ આવ્યોઃ મમ્મી ગઇ. હું ડરી ગયો. સોનીકાકા આવે છે, ગુસ્સે લાગે છે. મારા હાથમાં હાર છે એ..એ એકદમ પડી ગયો અને મારી નજર છાપા પર પડી, મુખ્ય સમાચારઃ અમેરિકાનું ચંદ્ર મિશન સવાલોના ઘેરામાં, કદાચ કોઇ માનવે ચંદ્ર પરથી પૃથ્વીને જોઇ જ નથી!
એક કોમેન્ટના અને કોપીરાઇટ પ્રશ્નને લીધે ‘કૃષ્ણાવતાર’ નું પબ્લીશીંગ અનિયત સમય સુધી સ્થગિત કરી રહ્યા છીએ. જુની પોસ્ટ એમ ની એમ જ છે, પણ બાકીની પોસ્ટ માટે જરૂરથી ‘તણખાં’ જોતા રહેશો.
‘તણખાં’ ક્યારે ઉત્પન્ન થાય?
જ્યારે જ્યારે ઘર્ષણ થાય ત્યારે…
ધર્મ-અધર્મ વચ્ચે,
રૂઢિઓ અને નવા વિચારો વચ્ચે,
પરંતુ મારો પ્રશ્ન આ નથી.
જો मुंडे मुंडे मतिर्भिन्नाः હોય એટલે કે દરેક માનવનાં મને સારા-ખોટાના કે રૂઢિઓ કે નવી માન્યતાઓ વિષેનાં પરિમાપો જ જુદા હોય તો પણ ‘તણખાં’ થાય ને.આ વર્તમાન ચિત્ર જોવા જેવું છે. યુગો-યુગોથી ચાલતી આ લડાઇમાં નવી વાત ઉમેરાઇ છે.’साधु’(ગીતાના પરિપ્રેક્ષ્યમાં)લોકોમાંય વિચારોની ભિન્નતાએ ‘તણખાં’ ઉત્પન્ન કર્યાં છે.આ ‘તણખાં’ બધે જ છે પણ સભ્યોનાં સમાજમાં જલ્દી દેખાતા નથી શોધવા પડે છે.પણ આમ થતાં શું ‘ભાગલા પાડો ને રાજ કરો’ નીતિનો વિજય થશે? આજે આ યુગોથી ચાલતા આવેલ ને યુગો સુધી ચાલનાર ‘धर्मक्षेत्रे कुरुक्षेत्रे’નું મહાભારત યુદ્ધમાં જ્યારે ખરા બળવીરો ને કળવીરોની જરૂર છે ત્યારે જ આ પક્ષ કદાચ સૌથી નબળો પડી રહ્યો છે…હવે માત્ર સામાજિક,પ્રાદેશિક,રાજકીય,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વિટંબળાઓ નથી,કુદરતી કોપો પણ એટલા જ છે.કુદરતી નિયમોનું પાલન ન કરી આપણે પતનનાં આરે ઉભા છીએ છતાં અંધ તે અંધ! ચમત્કારની જરૂર છે;એકતાનાં ચમત્કારની,એ જ પાછી ખરી લોકશાહી ખરી કે નહિ?
આવિર્ભાવ હતો કે પ્રાદુર્ભાવ
કે હતો કોઇ અજાણી ઊર્જાનો પ્રભાવ
ઘડેલું ઘણું મનમાં કહેવા માટે,
પણ આવ્યા ત્યારે નીકળ્યું માત્ર…કેમ છો?