‘કોણે કહ્યું તને?’ એ ગર્જના કરી ઉઠ્યો.
પોતે પુછેલા પ્રશ્નની પાછળ રહેલા રહસ્યથી સર્વથા અજ્ઞાન એવી વરદા કંસમા એકાએક આવું પરિવર્તન કેમ થઇ ગયું તે સમજી શકી નહીં. લાડ કરતી હોય એમ એના બાહુપાશમાં ભરાઇને મધુર સ્વરે એણે કહ્યું,’આખા મહેલમાં એ જ વાત ચાલી રહી છે. મારે એને જોવો છે. લોકો કહે છે કે એ તો અવતારી પુરુષ છે!’
‘તારે એને જોવો છે?’ કંસે ઘાંટો પાડીને કહ્યું. પલંગ પરથી એ એકદમ ઊભો થઇ ગયો.’દેવકીના આઠમા પુત્રને તારે જોવો છે, વેશ્યા?’ એની આંખો રાતીચોળ બની ગઇ. એના હાથ કંપવા લાગ્યા. જોરથી આંચકો મારીને એણે વરદાને જમીન પર પટકી દીધી! ‘વેશ્યા!’ રૂંધાયેલા અવાજે એણે કહ્યું ને અત્યંત ક્રોધપૂર્વક એ ઘરબહાર ચાલી ગયો!
એના મનમાં જાણે પડઘા ઊઠતા હતા. ‘દેવકીનો આઠમો પુત્ર! હા, એ આવવાનો છે. દરેક જણ માને છે કે એ મારો વધ કરશે-મારો, સો સો યુદ્ધોના વિજેતા એવા કંસનો! ઠીક છે, હું પણ બતાવી આપીશ!’
કંસે સરદાર પ્રદ્યોતને તથા મગધના રાજકુમાર વૃતઘ્નને બોલાવી મંગાવ્યા. બંનેએ આવીને જોયું તો કંસ ક્રોધથી લગભગ ઉન્મત્ત થઇ ગયો હતો. એનો ચહેરો ફરી ગયો હતો. ક્રૂરતાનો ભાવ એના મુખ પર અંકાઇ ગયો હતો.
‘વૃતઘ્ન, પ્રદ્યોત, આ બધું શું છે?’ કંસે પ્રશ્ન કર્યો,’દેવકીનો આઠમો પુત્ર કાલે સવારે અહીં આવવાનો છે એ વાત સૌ જાણી ગયા છે.’
‘પ્રભુ, આપની ક્ષમા યાચું છું, પરંતુ હું આપને યાદ દેવડાવું છું કે મોટાભાગના સરદારોએ અક્રૂર એને તેડવા જાય છે એવા વચન આપના પોતાના મુખેથી સાંભળ્યા હતાં;પછી એ વાત છાની શી રીતે રહી શકે?’ વિનમ્રભાવે હાથ જોડીને પ્રદ્યોતે કહ્યું.
‘વારુ, જે થયું તે થયું!’ કંસે કહ્યું,’પણ હું તમને એક કામ સોંપુ છું એ છોકરાને આ મહેલમાં દાખલ થવા દેવાનો નથી,તેમજ મારી સમક્ષ પણ તેને આવવા દેવાનો નથી! મારી હાજરીમાં ઉત્સવનો આરંભ કરવામાં આવે ત્યારે-પરમ દિવસે-જ એનો નિકાલ કરી નાખવાનો છે! પવિત્ર ધનુષ્યને ઉપાડી એમાંથી બાણ છોડવામાં આવે ત્યારે એને ત્યાં હાજર રહેવાની કોઇ પણ તક મળવી ન જોઇએ કદાચ એ સમર્થ બાણાવળી પણ હોય!’
‘જેવી પ્રભુની આજ્ઞા.’ પ્રદ્યોતે કહ્યું.
‘પ્રદ્યોત,તું કાંઇ બદલાઇ ગયો એમ લાગે છે! શું થયું છે તને?’ કંસે પુછ્યું.
‘પ્રભુ, મને કંઇ જ થયું નથી,’ પ્રદ્યોતે કહ્યું,’કદાચ કામનો ભારે બોજ મારાથી ઉપાડી શકાતો નહીં હોય. અને હવે તો હું પણ ઘરડો થયો ને!’ ફિક્કું સ્મિત કરીને એણે કહ્યું.

























