મહાલયની જ એક વિશાળ જગામાં એક અલગ નિવાસસ્થાનમાં વરદા રહેતી હતી,ત્યાં એણે સંદેશો મોકલાવ્યો; ને પછી તરત જ એ પોતે ત્યાં જઇ પહોંચ્યો. વરદાએ ખૂબ આનંદપૂર્વક એનો સત્કાર કર્યો. એની આંખો કામણગારી હતી. એના શબ્દે શબ્દે એ આંખો જાણે નૃત્ય કરતી. મહારાજા આગળ ઉપહારની સામગ્રી મૂકતાં એણે હાસ્ય કર્યું-રૂપાની ઘંટડીના જેવો મધુર રણકાર એના હાસ્યમાં ભર્યો હતો. પછી પોતાના સુકોમળ હસ્ત વડે એ એને પંખો નાખવા બેઠી.
કંસના હૃદયનો ભાર કંઇક હળવો બન્યો.વરદાના પ્રસન્ન અને મુક્ત હાસ્ય વડે વાતાવરણ ભારે ભારે બની ગયું. એમા હવે રાજખટપટને કે કોઇ ભયને અવકાશ રહ્યો નહીં. વરદાએ મધુર ગીત ગાયું. થોડુક નૃત્ય કર્યું ને પછી પોતાની જાતને, ફૂલના દડાને ઉછાળતી હોય એમ, કંસના બાહુપાશમાં સમાવી દીધી. એક હાથ કંસના ગળે વીંટાળી પોતાનું માથું એના ઘૂંટણ પર ટેકવી એણે કંસની ચિંતાક્રાંત આંખો સામે જોઇ સ્મિત કર્યું.
‘વરદા, ખરેખર અદભૂત છે તું!’ કંસે કહ્યું.
‘અને તમે પણ ક્યાં ઓછા અદભૂત છો?’ કહી વરદાએ પોતાના બંને હાથ કંસના ગળે વીંટાળીને એની છાતીમાં પોતાનું મુખ ઢાળી દીધું.’આનંદમાં તો છો ને મારા રાજવી?’ ખૂબ ધીમા ને મધુર સ્વરે એણે પૂછ્યું. એ ચતુર વારાંગનાએ પુરુષને ગુલામ બનાવવાની બધી કળા હસ્તગત કરી લીધી હતી.
‘અહીં તારી પાસે હોઉં છું ત્યારે એવો આનંદ મળે છે !’ કંસે ભાવાવેશપૂર્વક એને ચુંબન કરતાં કહ્યું,’તારી સાથે હંમેશ રહેવા મળતું હોય તો તો હું મારું રાજ્ય પણ આપી દઉં.’ પ્રણયોન્માદની માત્રા વધી જતાં એણે ઉમેર્યું. અને પછી એ આવેગની આનંદતૃપ્તિ માણવા એ તત્પર થયો.
‘તો મારા એક સવાલનો જવાબ આપશો?’ એના કાનમાં વહાલભર્યા અવાજે વરદાએ ધીમેથી કહ્યું.
‘એક નહીં, પ્રિયે સો પ્રશ્નો પૂછ.’ કહીને કંસે એને છાતીસરસી ચાંપી.
‘તો એક વાતનો જવાબ આપો.’ ફરીથી એન કાનમાં મંદ અવાજે એણે કહ્યું,’હું કોઇને કહીશ નહી.’
‘શો પ્રશ્ન છે?’ કંસે હળવેકથી એના ગાલ પસવારતા કહ્યું.
‘મારા રાજવી, મારા માલિક, મને કહેશો કે આવતી કાલે દેવકીનો આઠમો પુત્ર અહીં આવવાનો છે એ વાત સાચી છે?’ એણે પ્રશ્ન કર્યો.
કંસનું આખું શરીર તંગ બની ગયું. જાણે કોઇ સર્પે પોતાને દંશ દીધો હોય એવું એને લાગ્યું. એનો પ્રણયઆવેગ એકાએક મંદ પડી ગયો, ને પહોળી આંખો કરીને જાણે એ ભય ન પામતો હોય તેમ, વરદા સામું તાકી રહ્યો.