http://www.caitanya.ch/images/comp-radha-krishna-gemalt.jpg

અક્રૂરની આંખો અંજાઇ ગઇ. એને અંધારા આવી ગયાં. માથુ નમાવીને એ કૃષ્ણને ચરણે મૂકવ જતો હતો ત્યાં જ જાણે એકાએક નિદ્રામાંથી પોતે જાગ્રત થતો હોય એમ તેને લાગ્યું. ખબર ન પડે એમ સુકુમાર ભાવે પોતાને પ્રણિપાત કરતાં અટકાવતા કૃષ્ણના હસ્તનો સ્પર્શ થતો એણે અનુભવ્યો.
દૂર દૂર સુધી વિસ્તરતા ‘વાસુદેવઃ સર્વમ્’ એ શબ્દો એના કાને પડ્યા. ધીમે ધીમે એના પડઘા આછા થતા ગયા, અને પોતાની સામે બેઠેલા પેલા કિશોરનું આકર્ષક હાસ્ય એને સંભળાયું એ હાસ્યમાં સ્નેહનો ઊમળકો હતો, આદરભાવ પ્રેરવાની શક્તિ હતી-પ્રેમાળ હૃદયની એ નિર્વ્યાજ અભિવ્યક્તિ હતી.
‘વાસુદેવઃ સર્વમ્’-એ શબ્દો શું પોતે સ્વપ્નમાં સાંભળ્યા હતા?
‘કાકા અહીં યમુનાને કાંઠે શીતલ છાયાવાળી જગા છે,ત્યાં આપણે જરા થોભીશું? જઇને સ્નાન કરી આવીએ તો?’ કૃષ્ણે પૂછ્યું.
‘તમારે બંનેએ જઇને નહાવું હોય તો નહાઇ આવો.’ અર્ધનિદ્રિત અવસ્થામાં બળરામે કહ્યું, ‘હું તો જરા ઊંઘ ખેંચી કાઢીશ. કંસમામા ને એના બધા માણસો સાથે મારે લડી લેવાની તૈયારી કરી લેવાની છે!’
‘કંસને પહોંચી વળવા માટે તો ભાઇ, તારે બધી જ શક્તિનો ઉપયોગ કરી લેવો પડશે.’ કૃષ્ણે કહ્યું.
યમુનાના જળમાં અક્રૂરે ડૂબકી મારી અને એની નજર સામે વાસુદેવના સ્વરૂપે પરિવર્તન પામેલા કિશોર ભત્રિજાની મૂર્તિ ખડી થઇ.
***

અંધકની ચેતવણી

ચિંતાના વધતા જતા ભારથી કંસનું હ્રદય પીડાઇ રહ્યું હતું એક રીતે જોતાં તો, પહેલા કરતાં એ અત્યારે વધુ શક્તિશાળી બન્યો હતો. પૂર્વે કદી નહોતું એવું સબળ એનું રાજ્ય બન્યું હતું. આજુબાજુના રાજાઓ એનથી ડરતા હતા. અને ઘણા વિશાળ પ્રદેશ પર શાસન ચલાવતા એના શ્વશુર હવે રાજાધિરાજ બન્યા હતા. એની નાનામાં નાની ઇચ્છા પાર પાડવા ખડે પગે તૈયાર એવા ત્રણ હજાર માગધી સૈનિકો એના હાથ નીચે આવીને રહ્યા હતા. થોડાક અસંતુષ્ટ સૈનિકોને બાદ કરતાં સમગ્ર અંધક વંશના પુરુષો એન પ્રત્યે વફાદારી દાખવતા હતા. અંધકોના સરદાર પ્રદ્યોતે, એની ગેરહાજરી દરમિયાન, થોડીક મૂર્ખાઇ કરી હતી, તેમ છતાં એ હજી એવો ને એવો જ વફાદાર અને વિશ્વાસપાત્ર અનુચર રહ્યો હતો.
યાદવો એનાથી અસંતુષ્ટ થઇને અશાંત બન્યા હતા એ ખરું, પરંતુ એમની વચ્ચે નહોતી એકતા કે નહોતો કોઇ એમને દોરે એવો નેતા. પહેલાં બ્રાહ્મણોનું વર્ચસ્વ બહુ ભારે હતું; પરંતુ હવે એ બધાને કાં તો ઉદાર હાથે દાન આપીને અથવાતો સખ્તાઇ દાખવીને મૂંગા બનાવી દીધા હતા. હવે તો સબળ પ્રહાર કરીને વિરોધ કરતાં બધા યાદવોને દબાવી દેવાનું માત્ર એક જ કામ બાકી રહ્યું હતું.