Wed 7 Feb 2007
કૃષ્ણાવતારઃ ક.મા.મુનશી-૮
Filed under: સ્વરચિત — palak @ 7:48 pm

મહાલયની જ એક વિશાળ જગામાં એક અલગ નિવાસસ્થાનમાં વરદા રહેતી હતી,ત્યાં એણે સંદેશો મોકલાવ્યો; ને પછી તરત જ એ પોતે ત્યાં જઇ પહોંચ્યો. વરદાએ ખૂબ આનંદપૂર્વક એનો સત્કાર કર્યો. એની આંખો કામણગારી હતી. એના શબ્દે શબ્દે એ આંખો જાણે નૃત્ય કરતી. મહારાજા આગળ ઉપહારની સામગ્રી મૂકતાં એણે હાસ્ય કર્યું-રૂપાની ઘંટડીના જેવો મધુર રણકાર એના હાસ્યમાં ભર્યો હતો. પછી પોતાના સુકોમળ હસ્ત વડે એ એને પંખો નાખવા બેઠી.
કંસના હૃદયનો ભાર કંઇક હળવો બન્યો.વરદાના પ્રસન્ન અને મુક્ત હાસ્ય વડે વાતાવરણ ભારે ભારે બની ગયું. એમા હવે રાજખટપટને કે કોઇ ભયને અવકાશ રહ્યો નહીં. વરદાએ મધુર ગીત ગાયું. થોડુક નૃત્ય કર્યું ને પછી પોતાની જાતને, ફૂલના દડાને ઉછાળતી હોય એમ, કંસના બાહુપાશમાં સમાવી દીધી. એક હાથ કંસના ગળે વીંટાળી પોતાનું માથું એના ઘૂંટણ પર ટેકવી એણે કંસની ચિંતાક્રાંત આંખો સામે જોઇ સ્મિત કર્યું.
‘વરદા, ખરેખર અદભૂત છે તું!’ કંસે કહ્યું.
‘અને તમે પણ ક્યાં ઓછા અદભૂત છો?’ કહી વરદાએ પોતાના બંને હાથ કંસના ગળે વીંટાળીને એની છાતીમાં પોતાનું મુખ ઢાળી દીધું.’આનંદમાં તો છો ને મારા રાજવી?’ ખૂબ ધીમા ને મધુર સ્વરે એણે પૂછ્યું. એ ચતુર વારાંગનાએ પુરુષને ગુલામ બનાવવાની બધી કળા હસ્તગત કરી લીધી હતી.
‘અહીં તારી પાસે હોઉં છું ત્યારે એવો આનંદ મળે છે !’ કંસે ભાવાવેશપૂર્વક એને ચુંબન કરતાં કહ્યું,’તારી સાથે હંમેશ રહેવા મળતું હોય તો તો હું મારું રાજ્ય પણ આપી દઉં.’ પ્રણયોન્માદની માત્રા વધી જતાં એણે ઉમેર્યું. અને પછી એ આવેગની આનંદતૃપ્તિ માણવા એ તત્પર થયો.
‘તો મારા એક સવાલનો જવાબ આપશો?’ એના કાનમાં વહાલભર્યા અવાજે વરદાએ ધીમેથી કહ્યું.
‘એક નહીં, પ્રિયે સો પ્રશ્નો પૂછ.’ કહીને કંસે એને છાતીસરસી ચાંપી.
‘તો એક વાતનો જવાબ આપો.’ ફરીથી એન કાનમાં મંદ અવાજે એણે કહ્યું,’હું કોઇને કહીશ નહી.’
‘શો પ્રશ્ન છે?’ કંસે હળવેકથી એના ગાલ પસવારતા કહ્યું.
‘મારા રાજવી, મારા માલિક, મને કહેશો કે આવતી કાલે દેવકીનો આઠમો પુત્ર અહીં આવવાનો છે એ વાત સાચી છે?’ એણે પ્રશ્ન કર્યો.
કંસનું આખું શરીર તંગ બની ગયું. જાણે કોઇ સર્પે પોતાને દંશ દીધો હોય એવું એને લાગ્યું. એનો પ્રણયઆવેગ એકાએક મંદ પડી ગયો, ને પહોળી આંખો કરીને જાણે એ ભય ન પામતો હોય તેમ, વરદા સામું તાકી રહ્યો.

Comments (2)
Wed 7 Feb 2007
કૃષ્ણાવતારઃ ક.મા.મુનશી-૭
Filed under: સ્વરચિત — palak @ 3:07 am

http://www.zeenews.com/images/young%20krishna.jpg

આ બધી વસ્તુ કંસના લાભપક્ષે હતી અને વારંવાર એ એનું રટણ કર્યા કરતો, તેમ છતાં તેનું હૃદય બેચેન રહ્યા કરતું હતું: દેવકીનો આઠમો પુત્ર હજી જીવતો હતો; નારદે ભાખેલી ભવિષ્યવાણી એટલા પૂરતી તો સાચી પડી હતી; અને એ હવે મથુરા આવવાનો હતો!
હા, એ સાચુ હતું કે કૃષ્ણ હતો તો ફક્ત ગોવાળિયાનો છોકરો. એનાં જે ભારે પરાક્રમોનાં યશોગાન ગવાતાં હતાં તેમાં પણ ગામડાંનો કોઇ બહાદુર જુવાન કરે તેવાં સાહસકાર્યોથી વિશેશ કંઇ જ નહોતું-ફક્ત અતિશયોક્તિ કરી કરીને લોકોએ એનું આખું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું! પણ, વસુદેવ તથા દેવકી તેમજ કેટલાયે યાદવો એને ભવિષ્યના તારણહાર તરીકે માનતા હતા; અને લોકવાયકા પણ એમની શ્રદ્ધાનું સમર્થન કરતી હતી. પેલો ખંધો બ્રાહ્મણ ગર્ગાચાર્ય ન તો કશુ બોલતો હતો કે ન તો પોતે એને તારણહાર તરીકે માને છે એવું પોતાના વર્તન દ્વારા જણાવા દેતો હતો. અને છતાં, કોણ જાણે કેમ, લોકો તો એમ જ માનતા હતા કે ગર્ગાચાર્યને એ તારણહાર વિશેની બધી જ ખબર છે. નંદ ગોવાળનો પુત્ર એ જ દેવકીનો આઠમો પુત્ર છે, એવી અફવા લોકોમાં ઝડપભેર પ્રસરતી જતી હતી. તેને અટકાવવા એણે-કંસે પોતે-પ્રયત્ન કર્યો હતો; પરંતુ યાદવ સરદારોની સભા સમક્ષ પોતે જે ઉદગારો કાઢ્યા હતા તે પછી એ વાતને કર્ણોપકર્ણ ફેલાતી અટકાવવી, એ બહુ મુશ્કેલ કામ હતું.
કેટલીક વાર કંસને પોતાની આસપાસ કોઇ જાળ રચાતી હોય અને તેમાં પોતે વધુ ને વધુ ફસાતો જતો હોય, એવી લાગણી થઇ આવતી. શાંત ચિત્તે વિચાર કરતાં એને લાગતું કે આ તો કેવળ ખોટી-માત્ર પોતાની કલ્પનાએ ઊભી કરેલી-ભ્રમણા જ છે. આમ છતાં આવી જાતની લાગણી એનાથી રોકી શકાતી નહીં.

આજે રાત્રે કંસ હંમેશ કરતાંય બેચેન બન્યો હતો. એને લાગ્યુ કે ‘અત્યાર સુધીમાં અક્રૂર વૃંદાવન પહોંચી ગયા હશે; છોકરાઓ મથુરા આવવાની તૈયારી કરતા હશે; અને આવતી કાલે તો એ નગરમાં આવી પણ પહોંચશે. કેવાક હશે એ? એને વળી ચિંતા શી કરવી? છોકરા જેવા છોકરા,બીજું શું! એમનાથી ભય પામવો એ તો ખાલી ભ્રમણા જ કહેવાય!’
આમ છતાં કંસને ચેન પડ્યું નહી; શાંતિપૂર્વક એનાથી વિચાર પણ કરી શકાતો નહોતો. હૃદયને સતાવતી આ બેચેનીને કોઇ પણ રીતે દૂર કરવી જ જોઇએ એમ એને લાગ્યું. એને વરદા યાદ આવી. યુદ્ધ પૂરું કરી એ પાછો આવ્યો ત્યારે પોતાની સાથે આ તરુણ વારાંગનાને લેતો આવ્યો હતો. એ કોઇનું પણ મન હરી લે એવી હતી-એવી સુંદર, આકર્ષક, આનંદી સ્વભાવની-પરંતુ રાજકારભારમાં ડૂબી જવાથી કંસ થોડોક વખત એને વીસરી ગયો હતો. અત્યારે એને લાગ્યું કે ‘હું એની પાસે જઇશ તો મારું મન ફરી સ્વસ્થ થશે. એના આલિંગનથી મારામાં ફરી આત્મવિશ્વાસ આવશે,મારા ચિત્તને શાંતિ મળશે ને હૃદયને ગૂંગળાવતા પેલા બે છોકરાઓના કાલ્પનિક ભયને વીસરી શકીશ.’

Comments (0)
Wed 7 Feb 2007
કૃષ્ણાવતારઃ ક.મા.મુનશી-૬
Filed under: સ્વરચિત — palak @ 2:04 am

http://www.caitanya.ch/images/comp-radha-krishna-gemalt.jpg

અક્રૂરની આંખો અંજાઇ ગઇ. એને અંધારા આવી ગયાં. માથુ નમાવીને એ કૃષ્ણને ચરણે મૂકવ જતો હતો ત્યાં જ જાણે એકાએક નિદ્રામાંથી પોતે જાગ્રત થતો હોય એમ તેને લાગ્યું. ખબર ન પડે એમ સુકુમાર ભાવે પોતાને પ્રણિપાત કરતાં અટકાવતા કૃષ્ણના હસ્તનો સ્પર્શ થતો એણે અનુભવ્યો.
દૂર દૂર સુધી વિસ્તરતા ‘વાસુદેવઃ સર્વમ્’ એ શબ્દો એના કાને પડ્યા. ધીમે ધીમે એના પડઘા આછા થતા ગયા, અને પોતાની સામે બેઠેલા પેલા કિશોરનું આકર્ષક હાસ્ય એને સંભળાયું એ હાસ્યમાં સ્નેહનો ઊમળકો હતો, આદરભાવ પ્રેરવાની શક્તિ હતી-પ્રેમાળ હૃદયની એ નિર્વ્યાજ અભિવ્યક્તિ હતી.
‘વાસુદેવઃ સર્વમ્’-એ શબ્દો શું પોતે સ્વપ્નમાં સાંભળ્યા હતા?
‘કાકા અહીં યમુનાને કાંઠે શીતલ છાયાવાળી જગા છે,ત્યાં આપણે જરા થોભીશું? જઇને સ્નાન કરી આવીએ તો?’ કૃષ્ણે પૂછ્યું.
‘તમારે બંનેએ જઇને નહાવું હોય તો નહાઇ આવો.’ અર્ધનિદ્રિત અવસ્થામાં બળરામે કહ્યું, ‘હું તો જરા ઊંઘ ખેંચી કાઢીશ. કંસમામા ને એના બધા માણસો સાથે મારે લડી લેવાની તૈયારી કરી લેવાની છે!’
‘કંસને પહોંચી વળવા માટે તો ભાઇ, તારે બધી જ શક્તિનો ઉપયોગ કરી લેવો પડશે.’ કૃષ્ણે કહ્યું.
યમુનાના જળમાં અક્રૂરે ડૂબકી મારી અને એની નજર સામે વાસુદેવના સ્વરૂપે પરિવર્તન પામેલા કિશોર ભત્રિજાની મૂર્તિ ખડી થઇ.
***

અંધકની ચેતવણી

ચિંતાના વધતા જતા ભારથી કંસનું હ્રદય પીડાઇ રહ્યું હતું એક રીતે જોતાં તો, પહેલા કરતાં એ અત્યારે વધુ શક્તિશાળી બન્યો હતો. પૂર્વે કદી નહોતું એવું સબળ એનું રાજ્ય બન્યું હતું. આજુબાજુના રાજાઓ એનથી ડરતા હતા. અને ઘણા વિશાળ પ્રદેશ પર શાસન ચલાવતા એના શ્વશુર હવે રાજાધિરાજ બન્યા હતા. એની નાનામાં નાની ઇચ્છા પાર પાડવા ખડે પગે તૈયાર એવા ત્રણ હજાર માગધી સૈનિકો એના હાથ નીચે આવીને રહ્યા હતા. થોડાક અસંતુષ્ટ સૈનિકોને બાદ કરતાં સમગ્ર અંધક વંશના પુરુષો એન પ્રત્યે વફાદારી દાખવતા હતા. અંધકોના સરદાર પ્રદ્યોતે, એની ગેરહાજરી દરમિયાન, થોડીક મૂર્ખાઇ કરી હતી, તેમ છતાં એ હજી એવો ને એવો જ વફાદાર અને વિશ્વાસપાત્ર અનુચર રહ્યો હતો.
યાદવો એનાથી અસંતુષ્ટ થઇને અશાંત બન્યા હતા એ ખરું, પરંતુ એમની વચ્ચે નહોતી એકતા કે નહોતો કોઇ એમને દોરે એવો નેતા. પહેલાં બ્રાહ્મણોનું વર્ચસ્વ બહુ ભારે હતું; પરંતુ હવે એ બધાને કાં તો ઉદાર હાથે દાન આપીને અથવાતો સખ્તાઇ દાખવીને મૂંગા બનાવી દીધા હતા. હવે તો સબળ પ્રહાર કરીને વિરોધ કરતાં બધા યાદવોને દબાવી દેવાનું માત્ર એક જ કામ બાકી રહ્યું હતું.

Comments (0)
31 queries. 1.355 seconds. Powered by Gujarati Blogs