• http://www.bhavans.ac.in/pictures/munshiji.gif
  • ‘એ તો ધર્મદ્રોહી છે.’ કૃષ્ણે કહ્યું.
    આ સોળ વર્ષના કિશોરને કોઇ પ્રાચીન ઋષિની પેઠે સત્તાવાહી અવાજે બોલતો સાંભળી અક્રૂરની એના પ્રત્યેની ડગી ગયેલી શ્રદ્ધા ફર સતેજ બની.
    ‘તો તું તારું જીવનધ્યેય શું છે તે તું બરાબર જાણે છે, ખરું ને?’ અક્રૂરે પૂછ્યું.
    ‘હા.’ કૃષ્ણે ઉત્તર આપ્યો.
    ‘એ જીવનધ્યેયનું જ્ઞાન તને ક્યારે થયું?’ અક્રૂરે પૂછ્યું.
    ‘ઘણીયે વાર અંતરમાં ઊંડે ઊંડે કોઇક ભાવ જાગી ઊઠતો હોય એમ મને લાગતું હતું. પણ એ ભાવ શો છે તે સમજાતું નહીં. પરંતુ હું કોણ છું અને કંસમામાએ કેવાં પરાક્રમ કર્યા એની વાત એમણે મને કરી તે પછી, બીજે જ દિવસે, ગોવર્ધન પર્વતના સૌથી ઊંચા શિખર પર જઇને હું ઉદય પામતાં સૂર્ય તરફ જોતો ઊભો રહ્યો. સૂર્યોદય થયો અને તેનાં કિરણો વડે પૃથ્વી ચમકી ઊઠી ત્યારે મને લાગ્યું કે…’ જરાક અટકીને કૃષ્ણે પૂછ્યું,’કહું? તમે મારી મજાક તો નહીં કરો ને?’
    ‘વત્સ, તને શી લાગણી થઇ આવી છે તે જાણવા સારુ તો હું તલપાપડ થઇ રહ્ય છું. તારા મુખની એ વાણી સાંભળવા સારુ તો હું અત્યાર સુધી જીવતો રહ્યો છું.’ અક્રૂરે કહ્યું.
    ‘મને લાગ્યું કે પૃથ્વી પરની દુષ્ટતા દૂર સરતી જાય છે; દેવોના જેવી સ્વતંત્રતાનો ઉપયોગ કરતા, ધર્માચરણમાં રત એવા મનુષ્યોને ઊંચે મસ્તકે મેં ફરતા નીરખ્યા. આકાશ, પૃથ્વી ને પાતાળને વ્યાપીને ધર્મ જાણે ઊભો હોય એમ લાગ્યું.’ કૃષ્ણે કહ્યું ને પછી એ જરા અટક્યા.
    ‘પછી? પછી?’ ઊંચે શ્વાસે અક્રૂરે પ્રશ્ન કર્યો.
    ‘ધર્મ એ માત્ર યમ-નિયમનો વિષય નહોતો રહ્યો; એ તો ખુદ જીવનમાં વણાઇ ગયો હતો. અને…’ કૃષ્ણે કહ્યું.
    ‘હા, અને?’ અક્રૂરે પૂછ્યું.
    (આ આગળનો ભાગ કૃષ્ણાવતારના બધા ભાગ અને બધા પ્રકરણોમાંથી મને સૌથી ગમતો ભાગ છે…એમાં બધે જ દિવ્યતા છે.)

    ‘મને લાગ્યું…ખરેખર, મને લાગ્યું કે-જાણે સર્વ મારી અંદર સમાઇ જાય છે. હું માત્ર વસુદેવપુત્ર વાસુદેવ નહોતો રહ્યો; હું તો બની ગયો હતો-વાસુદેવ - વાસુદેવઃ સર્વંમ્!’ કૃષ્ણે કહ્યું.
    ‘અને પછી?’ પૂજ્યભાવપૂર્વક અત્યંત ધીમા અવાજે અક્રૂરે પુછ્યું.
    ‘પછી હું ગામમાં પાછો ફર્યો. હું જાણે બદલાઇ ન ગયો હોઉં એમ મને લાગ્યું. મારા ગ્રામજનોએ મારા નહોતા રહ્યા. સૌ મારામાં અને હું સૌમાં એવી સ્થિતિ થઇ ગઇ હતી…આ શું થઇ રહ્યું છે તે કંઇ મારાથી સમજાયું નહીં. મને થયું કે માનવજાતનો મારે ઉદ્ધાર કરવાનો છે, એમ ગર્ગાચાર્યે કહ્યું હતું તે સાચું હશે? એ વાતની પ્રતીતિ કરાવે એવી કોઇ નિશાની મળવી જોઇએઃ મારા હાથનો સ્પર્શ થતાં ગોવર્ધન બે વેંત ઊંચો થયો!’ કૃષ્ણે કહ્યું.
    આદર અને અહોભાવથી અક્રૂર કૃષ્ણ તરફ જોઇ રહ્યો. આ વિચિત્ર કિશોરનો અવાજ જાણે શાશ્વતીનો અવાજ હોય એમ એને લાગ્યું. સૂર્ય ચંદ્રને સપ્તર્ષિના તારાઓ એની આસપાસ પરિભ્રમણ કરતાં એને દેખાયા. આટલી દીનતા અને ક્ષુદ્રતાનો અનુભવ એને ક્યારેય થયો નહોતો. એના હ્રદયમાં ભક્તિનો પ્રચંડ સ્ત્રોત ફૂટી નીકળ્યો. એણે જોયું તો કૃષ્ણ હવે કૃષ્ણ નહોતો રહ્યો. એ તો બની ગયો હતો સહસ્ત્ર સૂર્યોના પ્રકાશથી ઝળહળતો એવો દેવાધિદેવ વાસુદેવ.