હવે આગળ…
‘જુલ્મી મનુષ્યની શક્તિ વધવા દેવી એ મોટી ભૂલ છે. આજે શું બનશે એમ તમે ધારો છો?’ કૃષ્ણે પુછ્યું.
‘આજે અથવા કાલે ધનુષ્યની પૂજા કરવામાં આવશે અને તે વેળા છેવટનું પગલું ભરશે; આપણામાંના મોટા ભાગના યાદવોની કરવાનો એ પ્રયાસ કરશે.’ અક્રૂરે કહ્યું.
‘તો પછી આપણને એણે તેડાવ્યા શું કામ?’ બળરામે પૂછ્યું. ‘મારી નાખવા માટે?’
થોડી વાર અક્રૂર મૂંગા રહ્યા; પછી શબ્દો તોળી તોળીને બોલતા હોય તેમ એ બોલ્યા, ‘સૌથી પહેલાં તો એ કૃષ્ણની હત્યા કરવા માગે છે. એને ભય છે જો કૃષ્ણ જીવતો રહેશે તો ભવિષ્યવાણી સાચી પડ્યા વિના નહીં રહે!’
કૃષ્ણે હાસ્ય કર્યું. એ હાસ્ય માનવકુળનું ભાવિ પોતાના હાથમાં છે એમ જાણનાર દેવનાં હાસ્ય સમું હતું. અક્રૂરે પહેલી જ વાર એનાં ઘાટીલા નયનોમાં રહેલો અડગ આત્મવિશ્વાસ જોયો; અને કૃષ્ણ તરફથી વહી આવતું કોઇ અલૌકિક શ્રદ્ધાનું પૂર એને વીંટી વળ્યું.
આશ્વાસન આપતો હોય એ રીતે કૃષ્ણે કહ્યું,’મને મારતાં પહેલા તો એ પોતે જ મરણને શરણ થઇ જશે.’
‘એ તું શી રીતે કહી શકે?’ અક્રૂરે પૂછ્યું.
‘હું જાણું છું. પૂજ્ય ગર્ગાચાર્ય અને સાંદીપનિએ મને કહ્યું છે.’ કૃષ્ણે જવાબ દીધો.
‘અમે કેવાં કેવાં સંકટો સહન કર્યા છે, વર્ષો થયાં શી શી યાતનાઓ અમારે વેઠવી પડી છે, તેની વાત એમણે તને કરી છે?’ અક્રૂરે પૂછ્યું.
‘કંસમામાની દુષ્ટતાની બધી વાતો એમણે મને કહી છે.’ કૃષ્ણે ઉત્તર વાળ્યો.
‘વત્સ, આટલાં વર્ષો થયાં અમે કેવી યાતનાઓ ભોગવી છે તેનો તને ખ્યાલ નહીં હોય.’ અક્રૂરે કહ્યું, ‘કેટલી વાર તો મને એમ પણ થાય છે કે આ કષ્ટોનો આવડો મોટો ભાર ઊંચકીને આટલો બધો વખત હું જીવતો જ કેમ રહ્યો? પૂજ્ય ઉગ્રસેન કારાગારમાં છે. તારા માતા-પિતાને રૌરવ નરકમાં જ નિવાસ કરવો પડ્યો છે. તારા ભાઇઓની જન્મતાં વેંત જ હત્યા થતી મેં મારી સગી આંખે નિહાળી છે. નારદની આગાહીને પૂજ્ય વેદવ્યાસના વચનમાં મને શ્રદ્ધા હતી એટલે જ તો મેં બળરામને ને તને ગોકુળમાં લઇ જઇને ગુપ્તવાસમાં રાખ્યા હતા.’ બોલતાં બોલતાં અક્રૂરની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યું.
‘કાકા, ગઇગુજરી ભૂલી જાઓ,’ જાણે કોઇ વડીલ આશ્વાસનની વાણી ઉચ્ચારતા હોય એવા અવાજે કૃષ્ણે કહ્યું,’કંસમામાએ શૂરવીર યાદવોનાં સ્વમાન ને શક્તિ કેવાં કચરી નાખ્યાં છે, એમને કેવા ભૂમિવિહોણા બનાવી દીધા છે, કેવી રીતે એણે મથુરામાંથી એમને બહાર ધકેલી કાઢ્યા છે, કેવી રીતે માતાઓ પાસેથી એનાં નવજાત બાળકોને એણે છીનવી લીધાં છે અને સરદારોની કન્યાઓની લાજ લૂંટી છે, તે બધું હું જાણું છું.’
‘ખરેખર કૃષ્ણ,’ અક્રૂરે કહ્યું,’ખૂન, લુંટ ને બળાત્કાર એ તો એને મન રમત જેવાં થઇ પડ્યા છે. આવાં કૃત્યોનો મારે કોઇ પણ જવાબ દેવો પડશે એમ તો એ માનતો જ નથી! દેવોની એ ઠટ્ઠા ઉડાવે છે! જ્ઞાનમૂર્તિ બ્રાહ્મણોને એણે મૂંગા કરી દીધા છે પૂર્વજોના આચારવિચારને એણે નેવે મૂક્યા છે.’