
વિદાય વેળાનું વહાલ જોઇને અક્રુરની શ્રદ્ધા ડગી ગઇ. વાંકડિયા વાળવાળો, અપ્રતિમ લાવણ્યથી શોભતા શરીરવાળો આ સુંદર છોકરો એ જ શું તારણહાર હશે કે જેની એ સત્તર વર્ષથી વાટ જોતો હતો? વારંવારના કૃષ્ણનાં અદભૂત પરાક્રમો એના સાંભળવામાં આવતાં ત્યારે એને થતું કે પોતે જે ધ્યેય માટે જીવન ધારણ કરી રહ્યો હતો તે ધ્યેય સિદ્ધ થયા વિના નહીં રહે પરંતુ એને શંકા થતી કે આવાં પરાક્રમો એણે ખરેખર કર્યાં હશે ખરાં? એ પરાક્રમો અઢાર વર્ષની ઉંમરે પણ અતિ વિશાળ એવા સ્કંધવાળા ને પડછંદ શરીરના એના ભાઇએ નહીં કર્યા હોય? કે પછી એ પરાક્રમની કથા માત્ર જુઠી લોકકથા જ હશે?
લોકો કહેતા હતા કે વૃંદાવનની છોકરીઓ તો કૃષ્ણની પાછળ ઘેલી થઈ ગઇ હતી. વાંસળી વગાડતો ને રાસ રમતો કૃષ્ણ તો માત્ર પ્રણયી જીવ હતો! મધરાતે અચાનક જ એક ગ્રામકન્યા સાથે લગ્ન કરવાની હઠ લઇ બેઠો હતો, તે પરથી એ કેવો સ્ત્રી ઘેલો હતો તે દેખાઇ આવતું હતું. શૌર્યસંપન્ન વિજયી વીરનાં આવાં લક્ષણ ન હોય. ગર્ગાચાર્ય એને જ્યારે ને ત્યારે સાતમે આસમાન ચડાવતા હતા, પણ પોતાના શિષ્યને પારખવામાં એમણે ભૂલ કરી હતી! નારદની આગાહી તથા વ્યાસનાં વચનો સિદ્ધ કરી બતાવવાની શક્તિ કે ઇચ્છા પણ આવા માણસમાં ક્યાંથી હોય? આ તે વળી ઇશ્વરનો અવતાર હોઇ શકે ખરો? યૌવનસંપન્ન દોષરહિત શરીરને બાદ કરતાં દેવસદૃશ કહી શકાય એવું કશું એનામાં નહોતું.
કૃષ્ણે અક્રૂર સામે જોઇને સ્મિત કર્યું. અક્રૂરને લાગ્યું કે ખરેખર આ બાળકનું સ્મિત સામાના હ્રદયને વશ કરી લે એવું છે જાણે એનું આખું શરીર સ્નેહની દિપ્તિથી છવાઇ રહ્યું હોય તેમ એનું સ્મિત હોઠ પર આંખોમાં ને ચમકતા ગાલો પર ફરકી રહેતું. સ્મિત કરતા કૃષ્ણ સામું જોઇ અક્રૂરથી પણ સ્મિત કર્યા વિના રહેવાયું નહીં.
‘કાકા, પિતાજી મથુરા ક્યારે પહોંચશે. આપણી પહેલાં કે પછી?’ કૃષ્ણે પુછ્યુ.
‘એ લોકો તો બપોર પછી પહોંચશે અને આપણે તો આઠેક ઘટિકામાં પહોંચી જઇશું. આપણા ઘોડાઓ બહું ઊંચી જાતના છે.’ અક્રૂરે જવાબ આપ્યો.
‘મને તો ઘોડાઓ ખૂબ જોરથી દોડે તો જ ગમે.’ બળરામે કહ્યું. પોતાના વિશાળ શરીરને એણે જેમતેમ કરીને બહુ સંકોચપૂર્વક રથમાં સમાવ્યું હતું પોતાના લાંબા પગ એણે રથની બહાર લટકતા રાખ્યા હતા. ‘જો ઘોડાને જરા વધુ દોડાવીએ તો આપણે ચાર ઘટિકામાં જ મથુરા પહોંચી જઇએ. કાકા, તમે ઘોડાઓને જોઇએ એટલા વેગથી દોડાવતા નથી.’
અક્રૂરે વડીલને છાજે એવી ઉદારતાથી સ્મિત કર્યું:બંને ભાઇઓમાં કેટલો મોટો ફેર હતો! મોટો ભાઇ ઉંમરના પ્રમાણમાં શરીરે ખૂબ વધી ગયો હતો. એ પહેલી વાર રથના પ્રવાસનો આનંદ માણી રહ્યો હતો. અને આ નાનો ભાઇ કેવો આકર્ષક ને આત્મનિષ્ઠ છે! આ નવો અનુભવ, એ તો જાણે એને હંમેશનો હોય એ રીતે વર્તતો હતો.
‘પણ કાકા, પિતાજી ને એમના સાથીદારો પહેલાં આપણે પહોંચી જઇએ તે કાંઇ સારુ કહેવાય?’ કૃષ્ણે પુછ્યું:’તમે મને કહ્યું એટલે હું તમારી પાસે આવ્યો; બાકી મારું ચાલે તો, હું એમની સાથે જ ગાડાંમાં કે પગે ચાલીને જતો.’




























Powered By