‘એ તો ધર્મદ્રોહી છે.’ કૃષ્ણે કહ્યું.
આ સોળ વર્ષના કિશોરને કોઇ પ્રાચીન ઋષિની પેઠે સત્તાવાહી અવાજે બોલતો સાંભળી અક્રૂરની એના પ્રત્યેની ડગી ગયેલી શ્રદ્ધા ફર સતેજ બની.
‘તો તું તારું જીવનધ્યેય શું છે તે તું બરાબર જાણે છે, ખરું ને?’ અક્રૂરે પૂછ્યું.
‘હા.’ કૃષ્ણે ઉત્તર આપ્યો.
‘એ જીવનધ્યેયનું જ્ઞાન તને ક્યારે થયું?’ અક્રૂરે પૂછ્યું.
‘ઘણીયે વાર અંતરમાં ઊંડે ઊંડે કોઇક ભાવ જાગી ઊઠતો હોય એમ મને લાગતું હતું. પણ એ ભાવ શો છે તે સમજાતું નહીં. પરંતુ હું કોણ છું અને કંસમામાએ કેવાં પરાક્રમ કર્યા એની વાત એમણે મને કરી તે પછી, બીજે જ દિવસે, ગોવર્ધન પર્વતના સૌથી ઊંચા શિખર પર જઇને હું ઉદય પામતાં સૂર્ય તરફ જોતો ઊભો રહ્યો. સૂર્યોદય થયો અને તેનાં કિરણો વડે પૃથ્વી ચમકી ઊઠી ત્યારે મને લાગ્યું કે…’ જરાક અટકીને કૃષ્ણે પૂછ્યું,’કહું? તમે મારી મજાક તો નહીં કરો ને?’
‘વત્સ, તને શી લાગણી થઇ આવી છે તે જાણવા સારુ તો હું તલપાપડ થઇ રહ્ય છું. તારા મુખની એ વાણી સાંભળવા સારુ તો હું અત્યાર સુધી જીવતો રહ્યો છું.’ અક્રૂરે કહ્યું.
‘મને લાગ્યું કે પૃથ્વી પરની દુષ્ટતા દૂર સરતી જાય છે; દેવોના જેવી સ્વતંત્રતાનો ઉપયોગ કરતા, ધર્માચરણમાં રત એવા મનુષ્યોને ઊંચે મસ્તકે મેં ફરતા નીરખ્યા. આકાશ, પૃથ્વી ને પાતાળને વ્યાપીને ધર્મ જાણે ઊભો હોય એમ લાગ્યું.’ કૃષ્ણે કહ્યું ને પછી એ જરા અટક્યા.
‘પછી? પછી?’ ઊંચે શ્વાસે અક્રૂરે પ્રશ્ન કર્યો.
‘ધર્મ એ માત્ર યમ-નિયમનો વિષય નહોતો રહ્યો; એ તો ખુદ જીવનમાં વણાઇ ગયો હતો. અને…’ કૃષ્ણે કહ્યું.
‘હા, અને?’ અક્રૂરે પૂછ્યું.
(આ આગળનો ભાગ કૃષ્ણાવતારના બધા ભાગ અને બધા પ્રકરણોમાંથી મને સૌથી ગમતો ભાગ છે…એમાં બધે જ દિવ્યતા છે.)
‘મને લાગ્યું…ખરેખર, મને લાગ્યું કે-જાણે સર્વ મારી અંદર સમાઇ જાય છે. હું માત્ર વસુદેવપુત્ર વાસુદેવ નહોતો રહ્યો; હું તો બની ગયો હતો-વાસુદેવ – વાસુદેવઃ સર્વંમ્!’ કૃષ્ણે કહ્યું.
‘અને પછી?’ પૂજ્યભાવપૂર્વક અત્યંત ધીમા અવાજે અક્રૂરે પુછ્યું.
‘પછી હું ગામમાં પાછો ફર્યો. હું જાણે બદલાઇ ન ગયો હોઉં એમ મને લાગ્યું. મારા ગ્રામજનોએ મારા નહોતા રહ્યા. સૌ મારામાં અને હું સૌમાં એવી સ્થિતિ થઇ ગઇ હતી…આ શું થઇ રહ્યું છે તે કંઇ મારાથી સમજાયું નહીં. મને થયું કે માનવજાતનો મારે ઉદ્ધાર કરવાનો છે, એમ ગર્ગાચાર્યે કહ્યું હતું તે સાચું હશે? એ વાતની પ્રતીતિ કરાવે એવી કોઇ નિશાની મળવી જોઇએઃ મારા હાથનો સ્પર્શ થતાં ગોવર્ધન બે વેંત ઊંચો થયો!’ કૃષ્ણે કહ્યું.
આદર અને અહોભાવથી અક્રૂર કૃષ્ણ તરફ જોઇ રહ્યો. આ વિચિત્ર કિશોરનો અવાજ જાણે શાશ્વતીનો અવાજ હોય એમ એને લાગ્યું. સૂર્ય ચંદ્રને સપ્તર્ષિના તારાઓ એની આસપાસ પરિભ્રમણ કરતાં એને દેખાયા. આટલી દીનતા અને ક્ષુદ્રતાનો અનુભવ એને ક્યારેય થયો નહોતો. એના હ્રદયમાં ભક્તિનો પ્રચંડ સ્ત્રોત ફૂટી નીકળ્યો. એણે જોયું તો કૃષ્ણ હવે કૃષ્ણ નહોતો રહ્યો. એ તો બની ગયો હતો સહસ્ત્ર સૂર્યોના પ્રકાશથી ઝળહળતો એવો દેવાધિદેવ વાસુદેવ.
હવે આગળ…
‘જુલ્મી મનુષ્યની શક્તિ વધવા દેવી એ મોટી ભૂલ છે. આજે શું બનશે એમ તમે ધારો છો?’ કૃષ્ણે પુછ્યું.
‘આજે અથવા કાલે ધનુષ્યની પૂજા કરવામાં આવશે અને તે વેળા છેવટનું પગલું ભરશે; આપણામાંના મોટા ભાગના યાદવોની કરવાનો એ પ્રયાસ કરશે.’ અક્રૂરે કહ્યું.
‘તો પછી આપણને એણે તેડાવ્યા શું કામ?’ બળરામે પૂછ્યું. ‘મારી નાખવા માટે?’
થોડી વાર અક્રૂર મૂંગા રહ્યા; પછી શબ્દો તોળી તોળીને બોલતા હોય તેમ એ બોલ્યા, ‘સૌથી પહેલાં તો એ કૃષ્ણની હત્યા કરવા માગે છે. એને ભય છે જો કૃષ્ણ જીવતો રહેશે તો ભવિષ્યવાણી સાચી પડ્યા વિના નહીં રહે!’
કૃષ્ણે હાસ્ય કર્યું. એ હાસ્ય માનવકુળનું ભાવિ પોતાના હાથમાં છે એમ જાણનાર દેવનાં હાસ્ય સમું હતું. અક્રૂરે પહેલી જ વાર એનાં ઘાટીલા નયનોમાં રહેલો અડગ આત્મવિશ્વાસ જોયો; અને કૃષ્ણ તરફથી વહી આવતું કોઇ અલૌકિક શ્રદ્ધાનું પૂર એને વીંટી વળ્યું.
આશ્વાસન આપતો હોય એ રીતે કૃષ્ણે કહ્યું,’મને મારતાં પહેલા તો એ પોતે જ મરણને શરણ થઇ જશે.’
‘એ તું શી રીતે કહી શકે?’ અક્રૂરે પૂછ્યું.
‘હું જાણું છું. પૂજ્ય ગર્ગાચાર્ય અને સાંદીપનિએ મને કહ્યું છે.’ કૃષ્ણે જવાબ દીધો.
‘અમે કેવાં કેવાં સંકટો સહન કર્યા છે, વર્ષો થયાં શી શી યાતનાઓ અમારે વેઠવી પડી છે, તેની વાત એમણે તને કરી છે?’ અક્રૂરે પૂછ્યું.
‘કંસમામાની દુષ્ટતાની બધી વાતો એમણે મને કહી છે.’ કૃષ્ણે ઉત્તર વાળ્યો.
‘વત્સ, આટલાં વર્ષો થયાં અમે કેવી યાતનાઓ ભોગવી છે તેનો તને ખ્યાલ નહીં હોય.’ અક્રૂરે કહ્યું, ‘કેટલી વાર તો મને એમ પણ થાય છે કે આ કષ્ટોનો આવડો મોટો ભાર ઊંચકીને આટલો બધો વખત હું જીવતો જ કેમ રહ્યો? પૂજ્ય ઉગ્રસેન કારાગારમાં છે. તારા માતા-પિતાને રૌરવ નરકમાં જ નિવાસ કરવો પડ્યો છે. તારા ભાઇઓની જન્મતાં વેંત જ હત્યા થતી મેં મારી સગી આંખે નિહાળી છે. નારદની આગાહીને પૂજ્ય વેદવ્યાસના વચનમાં મને શ્રદ્ધા હતી એટલે જ તો મેં બળરામને ને તને ગોકુળમાં લઇ જઇને ગુપ્તવાસમાં રાખ્યા હતા.’ બોલતાં બોલતાં અક્રૂરની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યું.
‘કાકા, ગઇગુજરી ભૂલી જાઓ,’ જાણે કોઇ વડીલ આશ્વાસનની વાણી ઉચ્ચારતા હોય એવા અવાજે કૃષ્ણે કહ્યું,’કંસમામાએ શૂરવીર યાદવોનાં સ્વમાન ને શક્તિ કેવાં કચરી નાખ્યાં છે, એમને કેવા ભૂમિવિહોણા બનાવી દીધા છે, કેવી રીતે એણે મથુરામાંથી એમને બહાર ધકેલી કાઢ્યા છે, કેવી રીતે માતાઓ પાસેથી એનાં નવજાત બાળકોને એણે છીનવી લીધાં છે અને સરદારોની કન્યાઓની લાજ લૂંટી છે, તે બધું હું જાણું છું.’
‘ખરેખર કૃષ્ણ,’ અક્રૂરે કહ્યું,’ખૂન, લુંટ ને બળાત્કાર એ તો એને મન રમત જેવાં થઇ પડ્યા છે. આવાં કૃત્યોનો મારે કોઇ પણ જવાબ દેવો પડશે એમ તો એ માનતો જ નથી! દેવોની એ ઠટ્ઠા ઉડાવે છે! જ્ઞાનમૂર્તિ બ્રાહ્મણોને એણે મૂંગા કરી દીધા છે પૂર્વજોના આચારવિચારને એણે નેવે મૂક્યા છે.’
અક્રૂર બહુ પ્રેમાળ હ્રદયના હતા. નંદ વિષે કૃષ્ણે કરેલો ઉલ્લેખ એના હ્રદયને સ્પર્શી ગયો.
‘આખું મથુરા અધીર બનીને તારી વાટ જોઇ રહ્યું છે કૃષ્ણ!’ અક્રૂરે કહ્યું, ‘વસુદેવ ને દેવકી તો તને મળવા માટે તલપાપડ થઇ રહ્યાં છે.’
‘સોળ વરસ સુધી એમણે વાટ જોઇ તો હવે થોડીક ઘડીઓ તેઓ વધારે રાહ જોઇ શકત,’ કૃષ્ણે કહ્યું, ‘પણ હું રથમાં બેસીને મથુરા જાઉં ને પિતાજી પગ ઢસડતા આવે એ કદી ન બને.’
‘વત્સ, વૃંદાવનને ભૂલી જા. તું હવે વાસુદેવ- રાજા વસુદેવનો પુત્ર કુમાર વાસુદેવ- બન્યો છે તે ન ભૂલતો.’
હ્રદય હરી લે એવો આકર્ષક લજ્જાભાવ ધારણ કરીને કૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘ના, કાકા, હું વૃંદાવનનો ગોવાળિયો છું, એ વાત ભૂલવા માગતો નથી- કદાપિ નહીં !’
અક્રૂરના મનમાં ફરી શંકા જાગી ઊઠીઃ આ છોકરો કૃષ્ણ ઉદાર યાદવ જાતિનો ઉદ્ધાર કરવા સમર્થ થઇ શક્શે ખરો?
‘આપણે જરા અહીં થોભીએ અને પછી પિતાજી નગરની સમીપ આવી પહોંચે ત્યારે એમની સાથે જઇએ.’ કૃષ્ણે કહ્યું.
બળરામે મોં મચકોડીને કહ્યું, ‘કૃષ્ણ, તું તો એવો ને એવો રહ્યો! સીધા શહેરમાં પહોંચી જઇએ તો જ ખરી મજા આવે. મારે નગર જોવું છે; એના મહેલો ને બજારો, એ બધું જોવું છે.’ આ રીતે બળરામે સૌથી પહેલા મથુરા પહોંચી જવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી તો ખરી, પરંતુ જે શ્રદ્ધાપૂર્વક એણે કૃષ્ણ સામે નજર કરી એમાં પોતાનો નાનો ભાઇ જે આજ્ઞા ફરમાવે તે સદા પોતાને માન્ય રહેશે, એવું સૂચન રહેલું હતું.
‘જો તમને ગમતું હોય તો એમ કરીએ.’ અક્રૂરે કહ્યું, ‘પણ ત્યાં આપણી શી દશા થવાની છે તમે જાણો છો. કંસની પ્રપંચજાળમાં ફસાવવા માટે મેં યાદવોને બોલાવ્યા છે ને તમને પણ હું ત્યાં જ લઇ જાઉં છું.’
‘પણ કંસ મામાને તમે આવી પ્રપંચજાળ કરવા જ શા માટે દીધી?’ બળરામે પુછ્યું.
‘વર્ષો થયા એવી મુર્ખાઇ અમે કરતા આવ્યા છીએ.’ અક્રૂરે કહ્યું, ‘કંસ પહેલેથી જ કપટી હતો. એનો પ્રધાન પ્રલંબ અમારા કરતાં વધારે દીર્ઘદૃષ્ટિવાળો હતો અને મોટા ભાગના અંધકોએ એમને સાથ આપ્યો હતો. એ અંધકોનો એક સમર્થક સરદાર પ્રદ્યોત કંસનો વફાદાર સેવક છે તે તમે જાણો છો ને?’
(અંધક યાદવોની જ એક પેટાજાતિ હતી)
વિદાય વેળાનું વહાલ જોઇને અક્રુરની શ્રદ્ધા ડગી ગઇ. વાંકડિયા વાળવાળો, અપ્રતિમ લાવણ્યથી શોભતા શરીરવાળો આ સુંદર છોકરો એ જ શું તારણહાર હશે કે જેની એ સત્તર વર્ષથી વાટ જોતો હતો? વારંવારના કૃષ્ણનાં અદભૂત પરાક્રમો એના સાંભળવામાં આવતાં ત્યારે એને થતું કે પોતે જે ધ્યેય માટે જીવન ધારણ કરી રહ્યો હતો તે ધ્યેય સિદ્ધ થયા વિના નહીં રહે પરંતુ એને શંકા થતી કે આવાં પરાક્રમો એણે ખરેખર કર્યાં હશે ખરાં? એ પરાક્રમો અઢાર વર્ષની ઉંમરે પણ અતિ વિશાળ એવા સ્કંધવાળા ને પડછંદ શરીરના એના ભાઇએ નહીં કર્યા હોય? કે પછી એ પરાક્રમની કથા માત્ર જુઠી લોકકથા જ હશે?
લોકો કહેતા હતા કે વૃંદાવનની છોકરીઓ તો કૃષ્ણની પાછળ ઘેલી થઈ ગઇ હતી. વાંસળી વગાડતો ને રાસ રમતો કૃષ્ણ તો માત્ર પ્રણયી જીવ હતો! મધરાતે અચાનક જ એક ગ્રામકન્યા સાથે લગ્ન કરવાની હઠ લઇ બેઠો હતો, તે પરથી એ કેવો સ્ત્રી ઘેલો હતો તે દેખાઇ આવતું હતું. શૌર્યસંપન્ન વિજયી વીરનાં આવાં લક્ષણ ન હોય. ગર્ગાચાર્ય એને જ્યારે ને ત્યારે સાતમે આસમાન ચડાવતા હતા, પણ પોતાના શિષ્યને પારખવામાં એમણે ભૂલ કરી હતી! નારદની આગાહી તથા વ્યાસનાં વચનો સિદ્ધ કરી બતાવવાની શક્તિ કે ઇચ્છા પણ આવા માણસમાં ક્યાંથી હોય? આ તે વળી ઇશ્વરનો અવતાર હોઇ શકે ખરો? યૌવનસંપન્ન દોષરહિત શરીરને બાદ કરતાં દેવસદૃશ કહી શકાય એવું કશું એનામાં નહોતું.
કૃષ્ણે અક્રૂર સામે જોઇને સ્મિત કર્યું. અક્રૂરને લાગ્યું કે ખરેખર આ બાળકનું સ્મિત સામાના હ્રદયને વશ કરી લે એવું છે જાણે એનું આખું શરીર સ્નેહની દિપ્તિથી છવાઇ રહ્યું હોય તેમ એનું સ્મિત હોઠ પર આંખોમાં ને ચમકતા ગાલો પર ફરકી રહેતું. સ્મિત કરતા કૃષ્ણ સામું જોઇ અક્રૂરથી પણ સ્મિત કર્યા વિના રહેવાયું નહીં.
‘કાકા, પિતાજી મથુરા ક્યારે પહોંચશે. આપણી પહેલાં કે પછી?’ કૃષ્ણે પુછ્યુ.
‘એ લોકો તો બપોર પછી પહોંચશે અને આપણે તો આઠેક ઘટિકામાં પહોંચી જઇશું. આપણા ઘોડાઓ બહું ઊંચી જાતના છે.’ અક્રૂરે જવાબ આપ્યો.
‘મને તો ઘોડાઓ ખૂબ જોરથી દોડે તો જ ગમે.’ બળરામે કહ્યું. પોતાના વિશાળ શરીરને એણે જેમતેમ કરીને બહુ સંકોચપૂર્વક રથમાં સમાવ્યું હતું પોતાના લાંબા પગ એણે રથની બહાર લટકતા રાખ્યા હતા. ‘જો ઘોડાને જરા વધુ દોડાવીએ તો આપણે ચાર ઘટિકામાં જ મથુરા પહોંચી જઇએ. કાકા, તમે ઘોડાઓને જોઇએ એટલા વેગથી દોડાવતા નથી.’
અક્રૂરે વડીલને છાજે એવી ઉદારતાથી સ્મિત કર્યું:બંને ભાઇઓમાં કેટલો મોટો ફેર હતો! મોટો ભાઇ ઉંમરના પ્રમાણમાં શરીરે ખૂબ વધી ગયો હતો. એ પહેલી વાર રથના પ્રવાસનો આનંદ માણી રહ્યો હતો. અને આ નાનો ભાઇ કેવો આકર્ષક ને આત્મનિષ્ઠ છે! આ નવો અનુભવ, એ તો જાણે એને હંમેશનો હોય એ રીતે વર્તતો હતો.
‘પણ કાકા, પિતાજી ને એમના સાથીદારો પહેલાં આપણે પહોંચી જઇએ તે કાંઇ સારુ કહેવાય?’ કૃષ્ણે પુછ્યું:’તમે મને કહ્યું એટલે હું તમારી પાસે આવ્યો; બાકી મારું ચાલે તો, હું એમની સાથે જ ગાડાંમાં કે પગે ચાલીને જતો.’
આ હવે ભાગરૂપે રજુ કરું છું પણ ક્રમ નીચેથી ઉપર હશે એ ધ્યાન રાખશો..આગળનું ટાઇપ કરતાં થોડોક સમય હજુ લાગશે.
પ્રાતઃકાળ થતા પહેલાં નંદ અને એના સાથીદાર ગોવાળિયાઓ મથુરા તરફ ચાલી નીકળ્યા. પોતાની સાથે એમણે ખંડણી આપવા માટેનો સામાન ગાડામાં લઈ લીધો હતો. અક્રુરે ઘોડાને નવડાવી-ધોવડાવી તેમજ તેમને પાણી પાઇને રથ સાથે જોડ્યા હતાં અને વૃંદાવનની ભાગોળે એ વાટ જોતાં ઉભા હતા.
કૃષ્ણ અને બળરામ ગામલોકોની વિદાય લેવા સારુ તેમને મળવા જવાના કામમાં ગુંથાયા હતા. પણ એમના પર વહાલ વરસાવનારા ગામલોકોને એટલાથી જ થોડો સંતોષ થાય એમ હતું? એ સૌ સ્ત્રી-પુરુષ તેમજ બાળકો એમને વલાવવા સારુ બહાર નીકળી પડ્યાં હતાં અને કૃષ્ણને ગમતી ગાયો તથા વાછરડાંઓને પણ પોતાની સાથે લેતાં આવ્યા હતાં.
રથ આગળ ઉભા રહેલા અક્રુરે નજર કરી તો એમણે ગામનાં લોકોને-અથવા મથુરા નહોતાં ગયા તેવાં ગામલોકોને- આવતાં જોયાં. બધાંની વચમાં પોતાની પાઘડીમાં ખોસેલા મોરપિચ્છથી આગળ તરી આવતા કૃષ્ણને અને પોતાની વિશાળ કાયા વડે સહેજે ઓળખાઇ આવતા બળરામને એમણે જોયા.
બંને છોકરાઓએ આવીને અક્રુરને પ્રણિપાત કર્યા. અક્રુરે એમને આશીર્વાદ આપ્યા. પછી ટોળાની આગળ ઉભેલી અને ડૂસકાં ભરતી યશોદામાતા તરફ કૃષ્ણે નજર કરી.
કૃષ્ણ માતાના પગમાં પડ્યો અને એની ચરણરજ લઇને એણે પોતાની આંખે લગાડી. યશોદાએ એને ઉભો કર્યો, અને જાણે એ પોતાનાં પણ પ્રાણરૂપ હોય તેમ વિરહવ્યાકુળ બનીને, એ એને ભેટી પડી. પછી એ બળરામને ભેટી.
એની બાજુમાં રાધા ઉભી હતી. એણે નવવધૂનાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં અને લજ્જાશીલ નવોઢાંને છાજે એ રીતે સાડીમાં મોં ઢાંકીને એ ઉભી હતી. ઘનઘટામાંથી સૂર્યનું કિરણ ચમકી ઉઠે એમ એ વારંવાર કૃષ્ણ તરફ પ્રેમાળ ને ઝંખનાભરી નજર નાખતી હતી. એના દરેક દ્રષ્ટિપાતમાં અનંત ભક્તિ ને સંપૂર્ણ આનંદસમાધિનું સૂચન સમાયું હતું. એ દ્રષ્ટિપાતના જવાબમાં ત્વરિત દ્રષ્ટિ અને આછા સ્મિત વડે કૃષ્ણ જાણે વિદાય માગતો હતો. આ સંદેશ એમના સિવાય કોઇ સમજી શકે એમ નહોતું. વડીલોની હાજરીમાં આથી વધારે તો કાંઇ થઇ શકે એમ હતું જ નહીં
(કૃષ્ણાવતારમાં મથુરાપ્રયાણના એક દિવસ પહેલા જ રાધા-કૃષ્ણનાં ગાંધર્વલગ્ન બતાવ્યા છે. મને એ વાત ગમી. આ રાધા-કૃષ્ણનું છેલ્લું મિલન છે. જો કે તેમની આત્મા તો એક જ છે).
હાથ જોડીને કૃષ્ણે એ સૌની વિદાય લીધી. પોતાના શરીર સાથે માથું ઘસતા વાછરડાંને એણે પંપાળ્યો ને પછી એણે નજર વાળી લીધી. બળરામને લઇને એ રથમાં ચડ્યો ત્યારે સૌની આંખો ભીની બની સૌનાં હૈયા અધીરાં બની ગયાં.
અક્રુરે ચાબુકનો અવાજ કર્યો ને અધીરા ઘોડાઓએ વેગથી દોડવા માંડ્યું. દોડતા રથમાંથી કૃષ્ણ તથા બળરામે ગામલોકોના હેતભર્યા આખરી પ્રણામ ઝીલ્યા અને ક્ષણભર માટે જાણે એમના સ્નેહભર્યા હૈયામાંથી જીવન જ્યોત બુઝાઇ ગઇ!
ઝડપભેર અદ્રશ્ય થતા રથના સામે મીટ માંડીને રાધા જોઇ રહી. રસ્તે વળાંક આવતાં રથ દેખાતો બંધ થઇ ગયો. એટલે એણે યશોદામાતાનો હાથ પકડવા પ્રયત્ન કર્યો. અને કદીયે સંભળાઇ નહીં હોય એવી ઘેરાં દુખની ચીસ પાડીને એ બેભાન બની ગઇ.
*****
તમે એક વાક્ય લખો…આખી દુનિયા એને જોશે ને બિરદાવશે. ખરેખરો સુવર્ણયુગ રચયિતાઓ અને વાચનકર્તાઓ માટે! પણ શું આમાં કાવ્યો, ગદ્યો અને વિચારોની ચોરી થવી એ બરાબર છે? ટેક્નોલોજીની મર્યાદા ખરી, પણ આ બેમાંથી શું યથાર્થ છે? નાના પાયે થતી ચોરી એ આ મહોત્સવને કેટલે અંશે અસર કરી શકે છે એના પર તમારા અભિપ્રાયો આવકાર્ય છે.

આ લખતા હાથ કંપે છે…તમે જાણો જ છો.જો આ લોકો ને પાગલ ઠેરવવામાં આવે કે માનસિક રીતે બિમાર ગણાવાય તો તેમને કોઇ ખાસ સજા નહી થાય,આવા બીજા કેટલા નરપિશાચો હશે? આ માત્ર ભારતીય સરકાર નહી પરંતુ સમગ્ર ગણતંત્રની પાંચ દાયકાની નિષ્ફળતાનો પુરાવો છે એમ કહેનારા અહીં જવાબ લખે…કોઈ પણ ભાષા ચાલશે, પરંતુ તમારા હકો જ્યારે ભૂલશો ત્યારે આવા ૪-૫ લોકો આખી વસ્તીઓનું નિકંદન કાઢશે અને ના પડોશીઓ આ “કસાઇખાના” ને ઓળખી શક્યા, ના પિડીતો-વધુ સંખ્યામાં હોવા છતાં-આપણી વ્યવસ્થાને લીધે કોઇ પગલુ ભરી શક્યા. પોલીસતંત્ર તો રિશ્વતખોરી ને લીધે નિષ્ફળ છે જ..પણ આ તો હદ ની પણ હદ છે…જાગો ભારતીયો, જાગો…
