યુનિવર્સિટીમાં આવ્યા બાદ, દેશ અને ઘરથી દુર હોસ્ટૅલમાં રહી થોડાંક નવા વિચારો અને નવું વ્યક્તિત્વ મળ્યું. એક શુક્રવારે મારા એક ક્રિશ્ચિયન મિત્રએ બારણે ટકોરા માર્યા અને મને એક આમંત્રણ આપ્યું. અને દર શુક્રવારે ખાવાનું લઇને ડાઉનટાઉન જવાનો સિલસિલો ચાલુ થયો. હવે એ વાતને થયેલા ૬ મહિના બાદ એના લેખાજોખાનો ચિઠ્ઠો અહીં મુક્યો છે. મિત્રો સાથે આ વાત વહેંચતા આનંદ તો થાય છે પણ આવું કેમ થાય છે એ સવાલનો જવાબ શોધવો પણ એટલો જ જરૂરી છે. જિંદગીમાં જે થાય છે એ ભાગ્ય છે એ વાત સ્વીકારવી અને કંઇ ન કરવું એ આવી માનવસર્જિત મુશ્કેલીઓને સામે ચાલીને નોતરવા જેવું છે.
-સર્જિત

આજે મારો લખવાનો વિષય તમને ગમશે એવી આશા સાથે શરૂઆત કરું છું. વાચકો વિષયને નવા પરિમાણો આપશે એ આશા સહ..ઊત્તર અમેરિકા ખંડ વિશ્વયુદ્ધ પછી પાશ્ચાત્ય સંસ્કૃતિનું નેતૃત્વ કરી રહ્યો છે એમ કહી શકાય. યુરોપિયન દેશો પણ આ વ્યવસ્થા આગળ વામણાં પુરવાર થાય છે.
ઉત્તર અમેરિકા ખંડ અમેરિકા,મેક્સિકો અને કેનેડા દેશોને સમાવે છે. આમાં યુ.એસ. એ. અને કેનેડા પોતાની સુંદર જાહેર વ્યવસ્થા માટે જાણીતાં છે. જનજીવન અને કાયદો, કાયદાનું પાલન, તે માટેના જરૂરી પગલા અને તેનું પાલન થાય જ એવી સભાનતા અહીંની લોકશાહી સરકારમાં તો છે જ પણ લોકો પણ જાગૃત છે, જે એશિયાના મોટાભાગનાં દેશોમાં હાલ જોવા મળતું નથી.
પણ સાંસ્કૃતિક સ્વતંત્રતા, સજ્જ માળખુ, અત્યાધુનીક ટેક્નોલોજી અને સમગ્ર દુનિયામાં અખાતી(ગલ્ફ) દેશો પછી સૌથી ધનિક રાષ્ટ્રો હોવા છતાં અહીં એક સમસ્યા છે.આ સમસ્યા છે બેઘર લોકોની. અહીં ‘હોમેલેસ’ કે ‘બેઘર’ લોકો ખૂબ મોટા પ્રમાણમાં છે. આ સિક્કાની એવી બાજુ છે જેનાથી મોટાભાગનાં લોકો અજાણ છે. આ સમસ્યા આવા દેશોમાં માથુ ઉંચકે એ લોજિકલ વાત નથી લાગતી, પણ એમાં થોડાં ઊંડા જઇ આ લોકો સાથે બે ઘડી વાત કરીએ તો કારણનો તાગ તો મળી જ શકે છે.
કારણો ઘણા છે. એમને સૌથી સામાન્ય થી ક્યારેક જ શક્ય એ રીતે ઉતરતા ક્રમમાં દર્શાવવનો પ્રયત્ન કરું છું.
૧) ઘરમાંથી બહાર કાઢી મુકાયેલા કિશોરો
૨) ઘરમાંથી ભાગી ગયેલા કિશોરો
૩) ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ વ્યક્તિઓ (કિશોર કે વયસ્ક).
૪) ડ્રગ્સ સાથે સંકળાયેલ લોકો, વેચનારા કે એના વ્યસની.
૫) સ્વતંત્ર રહેણીકહેણી ના લીધે ઘરનાં ઝગડાઓથી કંટાળેલા લોકો.
૬) ઘણી વાર દુનિયાને જાણવા-સમજવા પોતાની મરજીથી આવું કરતા ધૂની લોકો.
૭) કે પછી આમ કરવાથી મળતાં મહેનત વગરના પૈસા અને સતત બદલાતા સરનામાંથી પોતે ખરી રીતે સ્વતંત્ર છે એમ અનુભવતા અને બીજાને પણ આવું કરવા આકર્ષતા લોકો જે ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય છે.
જે રીતે આપણે ‘વેસ્ટર્ન’ થઇ રહ્યા છીએ એ રીતે સારું અને ખોટું બંને ગ્રહણ કરતાં થોડાંક વર્ષોમાં ભારત અને બીજા દેશો આ રસ્તે ચાલી નીકળશે એમાં શંકા નથી. એટલે આ સમસ્યા પર અત્યારથી જ વિચાર કરવો જરૂરી છે. વસ્તીવધારો, ગરીબી, ભ્રષ્ટાચાર એ તો દરેક લેખનાં કેન્દ્રવર્તી મુદ્દાઓ હોય જ છે પણ આ એની વ્યાપક અસરોમાંન એક છે-સામાજિક પતન.



























